અમદાવાદમાં સરકારી કચેરીઓ હવે વિવાદોમાં આવી રહી છે. શહેરમાં એક સિટી સિવિક સેન્ટરમાં જુગારધામ પકડાયું છે. નિકોલ પોલીસે બાતમીના આધારે આ જુગારધામ ઝડપી પાડ્યું છે. રવિવારની રજાના દિવસે કેટલાક શકુનીઓએ સરકારી કચેરીનું ધાબુ ભાડે રાખીને જુગાર રમવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પરંતુ પોલીસને આ બાબતની જાણ થતાં જ રેડ કરી હતી અને સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો.
બે હજારમાં જુગાર રમવા ધાબુ ભાડે આપ્યું
સરકારી કચેરીઓમાં લોકો પોતાના મહત્વના કામો માટે આવતા હોય છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાંથી લોકોને પોતાના જરૂરી કાગળો લેવા માટે જવાનું થતું હોય છે. પરંતુ અમદાવાદના એક સિટી સિવિક સેન્ટરમાં સરકારી કામની સાથે જુગાર ધામ ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. રવિવારની રજાનો લાભ લઈને આ સિટી સિવિક સેન્ટરનું ધાબુ જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું. બે હજાર રૂપિયાનું ભાડુ વસૂલ કરાતુ હતું.
