અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સચોટ ડીકોય ગોઠવીને પારસનગર પેટ્રોલ પંપ પાસેથી બે શખ્સોને ઝડપી લીધા છે. આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાંથી અસલી રોકડ રકમ લઈને જે-તે રાજ્યોમાં 'ચિલ્ડ્રન નોટ' ના બંડલ બનાવી નકલી નોટો આપી દેવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. ઊંઝાના વેપારી સાથે રૂ.40 લાખની ઠગાઈ થયાનો ખુલાસો થયા બાદ ફરી અમદાવાદમાં પેમેન્ટના નામે નકલી નોટો આપી છેતરપિંડી કરવાના ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે અને આ મામલે કુલ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
'CHILDREN BANK OF INDIA' ની 1666 નોટો જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર પહેલા ઊંઝા ખાતે વેપારીને નકલી નોટોના બંડલ આપીને રૂ.40 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ ફરીથી અમદાવાદમાં પેમેન્ટ આપવાના બહાને સંપર્કમાં આવ્યા હતા અને આંગડિયા મારફતે પણ પેમેન્ટના નામે નકલી નોટો પહોંચાડવાનું ષડયંત્ર રચાયું હતું. ઘાટલોડિયા પોલીસે મળેલી ચોક્કસ વિગતોના આધારે પારસનગર પેટ્રોલ પંપ પાસે ડીકોય ગોઠવીને રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્માને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.500ની નોટ જેવા દેખાતા 17 બંડલ મળી આવ્યા હતા, જેમાં 'CHILDREN BANK OF INDIA' લખેલી કુલ 1666 નકલી નોટો પોલીસે કબજે કરી છે.
