અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે નોકરી અને રમતગમતમાં સિલેક્શન અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. એરફોર્સ, નેવીમાં સરકારી નોકરી અને ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શન અપાવવાની લાલચ આપીને નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝ્ડ પૂર્વ પ્રોફેસર પ્રગ્નેશ હનુભાઈ બારહટની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા સમય પહેલા આ માને લઈને NSUIએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.
વોલીબોલ પ્રેક્ટિસ દરમિયાન ફસાવ્યા વિદ્યાર્થીઓને
આ સમગ્ર કૌભાંડનો ભોગ બનેલા ફરિયાદી પ્રતિક મિશ્રા વોલીબોલની પ્રેક્ટિસ માટે કોલેજના ગ્રાઉન્ડમાં જતા હતા, જ્યાં તેમની મુલાકાત આરોપી પ્રગ્નેશ બારહટ સાથે થઈ હતી. આરોપીએ પહેલા એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને 15 હજાર રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ ક્રિકેટમાં સ્ટેટ લેવલ સિલેક્શનની લાલચ આપી ફરિયાદી તથા તેના મિત્ર પાસેથી કુલ 99 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. જોકે, રકમ લીધા બાદ સિલેક્શન તો દૂર રહ્યું પરંતુ આરોપીનો ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો, જેથી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.


