પોલીસ વિભાગ અને કર્મચારીઓ સહિત વહીવટી અધિકારીઓ માટે સંદેશ ડિજીટલ પોલીસ પંચાતના માધ્યમથી જનતા અને વાચકો સુધી એ સટીક વિગતો પોંહચાડતું હોય છે કે જેને લઈને એક ડાંડિયો એવો રહે છે કે જે ખબરદારની આલબેલ પોકારતો રહે છે. આજની પોલીસ પંચાતમાં પણ આપની પાસે એ વિગતો મુકી રહ્યા છે કે જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન અનેક એવી ઉથલપાથલ થઈ ગઈ.
ખોખરા પોલીસ સ્ટેશનનો દબદબો એટલો છે કે 3 વહિવટદાર મચી પડ્યા ?
અમદાવાદમાં અમુક ઓછા પોલીસ મથક પૈકી ખોખરા પોલીસ સ્ટેશન એવું હતું કે, જે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરથી ચાલતુ હતું. જો કે તાજેતરમાંજ આ જગ્યા પર પી.આઈ આવી જતા વહિવટદારોની વાંઝણી થઈ ગયેલી સિઝનમાં અચાનક વસંત બેઠી. આ વસંત પણ એક બે નહી પણ ત્રણ-ત્રણ સિઝનની ભેગી કરીને આવી એમ થઈ ગઈ. કહેવાનો મતલબ કે એક સાથે ત્રણ સિઝન નહીં પણ ત્રણ વહિવટદારો ભેગા મળીને દબદબો ભોગવતા થઈ ગયા. હવે એમા પણ મુખ્ય વહિવટદાર પટેલ, બાપુની સ્ટાઈલમાં સ્કોર્પિયો વગર તો રાઉન્ડ નથી લેતા (વિચારો વરિવટદાર પાસે સ્કોર્પિયો છે તો એસેટનું શું?) અને એમાં પણ તેમની નોકરી તો અમદાવાદ શહેરનું નાક ગણાય એવી એજન્સીની નજીક છે, તો બીજો વહિવટદાર સવાણી કે જે વ્યાજવટાઉનો ધંધો કરી રહ્યો છે, અને ત્રીજો વહિવટદાર ખાનગી છે જેઓ નરોડાનો રહેવાસી છે, ત્યારે પોલીસબેડામાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, પીઆઈ વહિવટદાર રાખે તેમાં નવાઈ નથી પણ એવું તો શું હશે કે 3 લોકો ભેગા મળીને એક બ્રેડ પર માખણ લગાવી રહ્યાં છે.
અમદાવાદ શહેરના કેટલાક અધિકારીઓએ નાઈટ ડ્યૂટી કરવામાં આળસ આવી ગઈ કે શું !
અમદાવાદ શહેરમાં પોલીસ ઈન્સ્પેકટરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીને નાઈટ ડયુટી આવતી હોય છે, અને તેમાં ઝોન અને ડિવિઝન પ્રમાણે પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ અને પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે અને નાઈટ પતે ત્યારે સવારના સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં સહી કરવા માટે પણ જવાનું હોય છે, પણ ઘણા અધિકારીઓ નાઈટની કામગીરીમાં ઉદાસીનતા દાખતા હોવાની વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચી હતી જેના કારણે ઉચ્ચ અધિકારી લાલઘુમ થયા હતા અને એક પરિપત્ર કરીને જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ વિસ્તારમાં કામગીરીની કડક અમલવારી થાય તેને લઈ આદેશ આપ્યો છે.
સિંધુભવનના અડધા ભાગના રોડને બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ કરાશે !
સિંધુભવન રોડ પર રોડનો એક ભાગ સરખેજમાં અને રોડની બીજી તરફનો ભાગ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આવે છે, તો કયારેક કોઈક ગુનો બને છે તો હદને લઈ વિવાદો પણ થયેલા છે, ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આંબલી ગામ પણ આવેલું છે ત્યારે સરખેજ પણ પોલીસ સ્ટેશનની રીતે ખૂબ મોટો વિસ્તાર છે, ત્યારે ઘણી વાર એવું પણ બને છે કે પોલીસ સમય પ્રમાણે ઘટના સ્થળે પહોંચી શકતી નથી ત્યારે સરખેજ અને બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફેરફાર કરવા માટે હિલચાલ ચાલી રહી છે, કમિશનર કચેરીમાં એવી પણ ચર્ચા છે કે કેટલો ભાગ બોડકદેવમાં સમાવેશ કરવો અને કેટલો ભાગ સરખેજની હદમાં રાખવો પરંતુ હાલ આ મામલે કોઈ સત્તાવાર પરિપત્ર થયો નથી, પરંતુ ટૂંક સમયમાં સરખેજ અને બોડકદેવ પોલીસની હદને લઈ નિર્ણય લેવાઈ શકે છે એટલે કદાચ એવું પણ બની શકે છે કે, સિંધુભવનનો આખો રોડ બોડકદેવની હદમાં પણ સમાવાઈ શકે છે.
આનંદનગર પીઆઈની સિંગલ ઓર્ડરમાં રાતોરાત બદલી કરતા અનેક તર્કવિતર્ક
અમદાવાદ શહેરમાં એજન્સીઓ, કંટ્રોલ રૂમ, સ્પેશિયલ બ્રાન્ચ, ટ્રાફિક વિભાગમાં અનેક પીઆઈઓ ફરજ બજાવી રહ્યાં છે, ત્યારે આનંદનગરના પીઆઈની રાતોરાત બદલી કરવામાં આવી છે અને તેમને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે, ત્યારે આ પીઆઈનો સિંગલ બદલીનો ઓર્ડર થતા શહેર પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, તો સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, કોઈ રાજકીય નેતા સાથેના અણબનાવના કારણે તેમની ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી ગઈ હતી અને તેના કારણે તેમની બદલી કરવામાં આવી છે, તો સત્ય શું છે તે તો પીઆઈને પણ ખબર છે પણ અમને જે માહિતી મળી તે પ્રમાણે અહી વાત કરી છે, તો આનંદનગર પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ પાલડી પીઆઈને સોંપવામાં આવ્યો છે.
આનંદનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવવા માટે ઘણા મહિલા PIએ રસ દાખવ્યો
શહેરમાં વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનની બોલબાલા હોય છે, સારા વિસ્તારમાં શાંતિ અને ગુનેગારીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, ત્યારે રીંગરોડની ફરતે આવેલા પોલીસ સ્ટેશનમાં પીઆઈને લઈ જવા માટે વહિવટદારો બોલી લગાવતા હોય છે, ત્યારે હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈની હસ્તક ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ઘણા મહિલા પીઆઈઓએ આનંદનગર પોલીસ સ્ટેશન જવા માટે લોબિંગ શરૂ કર્યુ છે, ત્યારે ટૂંક સમયમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં કાયમી પીઆઈની નિમણૂંક કરી દેવામાં આવશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.










