ગુજરાતમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલ 'ઓપરેશન લંગડા' અંતર્ગત મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. ગંભીર ગુના આચરીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કે પોલીસ ટુકડી પર હુમલો કરવાનો પ્રયાસ કરતા આરોપીઓ સામે પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. આ ખાસ ઝુંબેશના કારણે રાજ્યભરના ગુનેગારો અને કેફી પદાર્થોના કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

છેલ્લા 2 વર્ષમાં 21 આરોપીઓ પર ફાયરિંગ

પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં પોલીસે અલગ-અલગ ઘટનાઓમાં એકશન લેતા કુલ 21 આરોપીઓ પર ફાયરિંગ કર્યું છે. કસ્ટડીમાંથી ભાગવા જતાં હાથ ધરાયેલા સેલ્ફ-ડિફેન્સ અને વળતા પ્રહાર દરમિયાન બનેલી ફાયરિંગની ઘટનાઓમાં 2 આરોપીઓના મોત નીપજ્યા છે. આરોપીઓને ઘટનાસ્થળે જ અટકાવવા અને તેમની ભાગવાની યોજના નિષ્ફળ બનાવવા માટે પોલીસે આ આકરા પગલાં ભર્યા છે.

2025 અને 2026 ના વર્ષવાર આંકડા, કાયદો અને વ્યવસ્થા મજબૂત

વર્ષવાર આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2025 માં 10 આરોપીઓ સામે સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2026 માં અત્યાર સુધી 11 આરોપીઓ પર ફાયરિંગ કરી તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ આકરી અને ઝંઝાવાતી કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ જાય છે કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાથે ચેડાં કરનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Surat News : મર્ડર થયેલા બૂટલેગર પાસેથી તમંચો લીધાની વિચિત્ર કબૂલાત! આરોપીની કહાણીથી પોલીસ પણ ચક્કરે ચડી...