નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા નશાના કારોબાર સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આસામના ગુવાહાટી ખાતેથી એક મોટું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. NCB ના અધિકારીઓએ ગુવાહાટીમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને આશરે 43 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો 53.937 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા બે મુખ્ય સપ્લાયરોની ધરપકડ કરવામાં આવી છે.
ટ્રકની ફ્યુઅલ ટેન્કમાં ગુપ્ત ખાના
NCB ની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કિંમતી ડ્રગ્સનો જથ્થો સરહદ પારથી એટલે કે મ્યાનમારથી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સ્મગલરોએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે બે ટ્રકની ફ્યુઅલ ટેન્કમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના (Chambers) બનાવ્યા હતા. જોકે NCB ની સતર્કતાને કારણે આ મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. આ કેસમાં મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના રહેવાસી એવા બે ડ્રગ સપ્લાયરોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે.
