અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ ઘર કંકાસના કારણે અલગ રહેતી પોતાની પત્નીની સરાજાહેર છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. મૃતક પરિણીતા છેલ્લા કેટલાક સમયથી પારિવારિક તકલીફોને કારણે પોતાના પિયરમાં રહેતી હતી.


ખોડિયારનગરમાં પતિએ કરી પત્નીની હત્યા 

પ્રાપ્ત માહિતી અનુસાર, મયંક પટેલ નામના યુવકે પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. બંને યુવક-યુવતીએ લગભગ દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, લગ્નજીવનના થોડા સમય બાદ જ પારિવારિક સમસ્યાઓ શરૂ થઈ હતી. છોકરીના પક્ષનો આક્ષેપ છે કે સાસરિયા પક્ષ દ્વારા તેમની દીકરીને વારંવાર હેરાન કરવામાં આવતી હતી. આ હેરાનગતિના કારણે, પરિણીતા છેલ્લા લગભગ ચાર મહિનાથી પોતાના માતા-પિતા સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી.

પત્નીના ગળા અને હાથના ભાગે માર્યા છરીના ઘા 

આજે સાંજના સમયે પરિણીતા કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળી હતી. કહેવાય છે કે તે બટનનું કામ આપવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં તેના પતિ મયંક પટેલે તેને આંતરી લીધી હતી. આ દરમિયાન મયંકે છરી વડે પત્ની પર સરાજાહેર હુમલો કર્યો હતો. હુમલાની ભયાનકતા એ હતી કે યુવકે પત્નીના ગળા અને હાથના ભાગે છરીના અસંખ્ય ઘા માર્યા હતા. પીડિતા બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી પતિએ તેનો પીછો કરીને તેને રહેંસી નાખી.

પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર

મહત્વની વાત એ છે કે, છોકરીના માતા-પિતા દ્વારા અગાઉ પણ આરોપી મયંક પટેલ અને તેના પરિવાર વિરુદ્ધ સાસરી પક્ષ દ્વારા હેરાનગતિની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ છતાં અંતે આ દુઃખદ ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપી મયંક પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

  • Follow us on: