અમદાવાદ શહેરના વટવા GIDC વિસ્તારમાં આવેલ હાથીજણ સર્કલ પાસે શાલીન સ્ક્વેર કોમ્પલેક્ષ નજીક સામાન્ય ગણાતી બાબતે મોટો ઝઘડો અને મારામારીની ઘટના સામે આવી છે. લગ્નની કંકોત્રી ન આપવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ ભેગા મળીને બે ભાઈઓ પર જાનલેવા હુમલો કર્યો હતો. ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ પર તેમના જ જૂના મિત્ર રાજવિર રાઠોડ અને તેના સાથીઓએ બોલાચાલી બાદ હુમલો કરી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
4 શખ્સોએ ભેગા મળી બે ભાઈઓને ઢોરમાર માર્યો
બનાવની વિગત મુજબ, વિરેન્દ્રસિંહે લગ્નની કંકોત્રી ન આપતાં જૂના મિત્ર રાજવિર રાઠોડે ઉશ્કેરાઈને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે રાજવિરનું ઉપરાણું લઈને નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા. વચ્ચે પડેલા નાના ભાઈ મીતરાજને પણ આ ચારેય શખ્સોએ ભેગા મળીને માથા, છાતી અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ "તમે નોકરી કેવી રીતે કરો છો તે જોઈ લઈશું" તેવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.
