અમદાવાદ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી અને હૃદય કંપાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રીનગર પાસે 9 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં જૂની અદાવતના વેરઝેરને કારણે 23 વર્ષીય યુવકની છરીના ઘા મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ભાઈને બચાવવા વચ્ચે પડેલા યુવક પર ઘાતક હુમલો

પોલીસ સૂત્રો અને પ્રાથમિક વિગતો મુજબ, એકથી દોઢ મહિના અગાઉ મૃતક પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી અને આદેશ ચાવડા વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ ઉપરાંત પ્રિન્સ અને પ્રભાત ઉર્ફે ચોટિયા બાબુભાઈ સોલંકી વચ્ચે પણ અગાઉ ઝઘડો થયો હતો. આ જ જૂની અદાવતની રંજ રાખીને આરોપી પ્રભાત ઉર્ફે ચોટીયો સોલંકી કે.કા. શાસ્ત્રીનગર બ્લોક નંબર-3 પાસે ઊભેલા પ્રેમ ઉર્ફે બબલી દંતાણી પાસે પહોંચ્યો હતો.

છરી વડે છાતી અને પેટના ભાગે ઘા ઝીંકી દીધા 

પ્રભાતે પ્રેમ સાથે તેના ભાઈ પ્રિન્સ અંગે વાત શરૂ કરીને તેને પતાવી દેવાની ધમકી આપી હતી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. આ ઝઘડો થતો જોઈને પ્રેમના મોટા ભાઈ અને 23 વર્ષીય યુવક પ્રિન્સ ઉર્ફે ભમભમ દંતાણી વચ્ચે બચાવ કરવા માટે પડ્યા હતા. તે જ સમયે ઉશ્કેરાયેલા પ્રભાત ઉર્ફે ચોટિયા સોલંકીએ પોતાની પાસે રહેલી છરી કાઢીને પ્રિન્સની ડાબી છાતી અને પેટના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા.

સારવાર દરમિયાન યુવકનું મોત, પોલીસે આરોપીને ઝડપી લીધો

ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રિન્સને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ACP એન.કે. વ્યાસના જણાવ્યા મુજબ, બંને પક્ષના લોકો નજીકની ચાલીઓમાં જ રહે છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પ્રભાત ઉર્ફે ચોટિયા સોલંકીને રાઉન્ડઅપ કરી લીધો છે.

સમગ્ર મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ

જોકે, આરોપીને પણ ઈજાઓ થઈ હોવાથી હાલ તેને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધવામાં આવી છે. આરોપીની હોસ્પિટલમાંથી સારવાર પૂર્ણ થયા બાદ તેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે તેમજ આ હત્યાકાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો