પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કોલકાતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિત ત્રણ રાજ્યોમાં એકસાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરોડાઓમાં માત્ર ગુજરાતના 13 સ્થળોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડના સંલગ્ન સ્થળો પર આ તપાસ ચાલી રહી છે. EDની ટીમ દ્વારા આ તપાસ વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) સહિતના મહત્ત્વના વ્યક્તિઓના ત્યાં ધમધમાટ પૂર્વક ચલાવવામાં આવી હતી. આ દરોડા 25 અલગ અલગ બેંકોમાંથી મેળવેલી લોનના કથિત કૌભાંડ અને મની લોન્ડરિંગના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. EDની આ કાર્યવાહીથી આર્થિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.
તપાસ દરમિયાન બેંક ખાતાઓ ફ્રીઝ અને જપ્તી
સઘન તપાસ દરમિયાન EDની ટીમે સંલગ્ન કંપનીઓના અનેક બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત, અધિકારીઓએ કૌભાંડ સંબંધિત મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત કર્યા છે, જે કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે. EDની પ્રાથમિક કાર્યવાહી પહેલાં પણ આ કેસમાં તપાસ થઈ ચૂકી છે. અગાઉની તપાસના આધારે ED દ્વારા રૂ. 193 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી, જે કેસની ગંભીરતા દર્શાવે છે. બેંકો પાસેથી લોન મેળવીને તેને અન્ય માર્ગે વાળી દેવાના કિસ્સામાં આ કાર્યવાહી મની લોન્ડરિંગના પાસાને ઉજાગર કરે છે.













