અમદાવાદ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. લૂંટ અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ તાજી જ છે, ત્યાં શહેરમાં હત્યાના બે સનસનીખેજ બનાવો સામે આવ્યા છે. એક તરફ ઓઢવ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, તો બીજી તરફ નારોલ વિસ્તારમાં માત્ર નજીવી બાબતમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મકાનનો દરવાજો બંધ કરવા જેવી સામાન્ય તકરાર બની જીવલેણ

નારોલ વિસ્તારના રામનગર ખાતે બનેલી આ ઘટનાની વિગતો મુજબ, મૃતક વિજયકાંત યાદવ (ઉંમર 28 વર્ષ) અને આરોપીઓ એક જ મકાનમાં અલગ-અલગ રૂમમાં ભાડે રહેતા હતા અને બંને કલરકામનું કામ કરતા હતા. મકાનના દરવાજાને લોક મારવા જેવી અત્યંત નજીવી બાબતમાં બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય તકરારે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે, રાધેશ્યામ પાસવાન અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરે મળીને હુમલો કર્યો હતો.

ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, શરૂઆતમાં ફરિયાદી સુધીર યાદવ સાથે રાધેશ્યામ પાસવાનની બોલાચાલી થઈ હતી, ત્યારબાદ સુધીર ત્યાંથી જતો રહ્યો હતો. થોડા સમય પછી સુધીર અને તેનો સાળો વિજયકાંત યાદવ બાઈક લેવા માટે રામનગર પહોંચ્યા હતા. જ્યાં રાધેશ્યામ અને સગીરે ફરી ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો છોડાવવા માટે જ્યારે વિજયકાંત વચ્ચે પડ્યા, ત્યારે આરોપી રાધેશ્યામે તેમને પકડી રાખ્યા હતા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે તેમના પર છરીથી ઘા ઝીંકી દીધા હતા.

Ahmedabad News: 28-Year-Old Man Murdered in Narol Over Door Lock Dispute; Two Arrested

સારવાર દરમિયાન યુવકનું મોત, પોલીસે સગીર સહિત બે આરોપીઓની કરી ધરપકડ

છરીના ગંભીર ઘા વાગવાથી વિજયકાંત યાદવ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે છરી વડે હુમલો કરનાર સગીર તેમજ અન્ય એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

https://x.com/sandeshnews/status/2108892503571366212?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108892503571366212%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

શું હત્યા પાછળ કોઈ અન્ય કારણ હતું?

પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા માત્ર દરવાજો ખુલ્લો રાખવા કે લોક મારવા જેવી સામાન્ય માથાકૂટમાં થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, શું આ સામાન્ય તકરાર માત્ર એક બહાનું હતું કે પછી અગાઉની કોઈ અદાવત કે અન્ય કોઈ ગુપ્ત કારણ આ હત્યા પાછળ જવાબદાર હતું. હાલ પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો: Navratri 2026: યુવાનોમાં IV Dripનો ક્રેઝ, એનર્જી અને ગ્લો માટે હજારો ખર્ચતા પહેલા જાણી HIV સુધીના જોખમો!