અમદાવાદ શહેરમાં ગેરકાયદે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓના વેચાણ સામે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેન્દ્રા કોટક બેન્કની ગલીમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાંથી તપાસ કરતા અંદરથી પ્રતિબંધિત CADIFOS-T બ્રાન્ડની 100 એમએલની કુલ 1,798 કફ સિરપની બોટલો મળી આવી હતી, જેનું કુલ વજન આશરે 179.80 કિલોગ્રામ થાય છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ સિરપમાં Codeine Phosphate નામનું નશીલું ઘટક હોવાનું સામે આવ્યું છે.
લાખો રૂપિયાનો મુદ્દામાલ અને બે આરોપીઓની ધરપકડ
પોલીસે આ દરોડા દરમિયાન ગાડીમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નવાઝહુસેન મુકદસહુસેન શેખ (ઉં.વ. 23, રહે. દાણીલીમડા) અને સરવરખાન બિસ્મિલ્લાહખાન પઠાણ (ઉં.વ. 26, રહે. દાણીલીમડા) તરીકે થઈ છે. પોલીસે કફ સિરપની કિંમત રૂ. 21,15,347 તેમજ રૂ. 5 લાખની કિંમતની સ્કોર્પિયો કાર મળીને કુલ રૂ. 26,15,347 નો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે. નારોલ પોલીસે બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



