અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ડાયમંડ પાર્ક સોસાયટીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. નિકોલમાં રહેતા ભાવેશ બારૈયા નામના શખ્સે પોતાની પત્ની રેખા બારૈયા પર તીક્ષ્ણ હથિયાર વડે મરણતોલ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પત્નીને છોડીને પતિ સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. ઘટનાને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી રેખા બારૈયાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
છેલ્લા 10 દિવસથી પતિ-પત્ની વચ્ચે ચાલતો હતો ઉગ્ર કલહ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશ બારૈયા અને તેની પત્ની રેખા બારૈયા વચ્ચે છેલ્લા 10 દિવસથી કોઈ પારિવારિક બાબતે સતત તકરાર અને ઝઘડો ચાલી રહ્યો હતો. સતત થતા કંકાસથી કંટાળીને પત્ની રેખા નિકોલ ખાતે આવેલી પોતાની બહેનના ઘરે રહેવા માટે જતી રહી હતી. ગત રોજ પતિ ભાવેશ તેની બહેનના ઘરે પહોંચ્યો હતો અને આવેશમાં આવીને પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
