ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા સરકારી અને રાષ્ટ્રીય સંપત્તિ સમાન ONGC (Oil and Natural Gas Corporation) ના ક્રૂડ ઓઈલ (Crude Oil) ની ચોરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATS ની ટીમે સઘન કાર્યવાહી કરીને આ સમગ્ર ચોરીના રેકેટમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડા (Kheda) જિલ્લાના સારસા (Sarsa) ખાતે આવેલા કૂવા નંબર 26 પરથી ચોરીછૂપીથી ક્રૂડ ઓઈલ કાઢીને તેની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી હતી.
વટવા GIDC માં ખાલી કરાતું હતું ચોરીનું ઓઈલ
ચોરાયેલું ક્રૂડ ઓઈલ સુરક્ષિત રીતે ઠેકાણે પાડવા માટે આરોપીઓ અમદાવાદ (Ahmedabad) ના વટવા GIDC (Vatva GIDC) વિસ્તારનો ઉપયોગ કરતા હતા, જ્યાં ઓઈલ ખાલી કરાતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ATS દ્વારા દરોડા અને કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 8 હજાર લીટર ક્રૂડ ઓઈલ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનો અને અન્ય સાધનો મળીને કુલ 22.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
