અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.શહેરમાં શાંતિનો ભંગ કરતા અને સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા અસામાજિક તત્વો સામે હવે પોલીસ તંત્ર દ્વારા એક્શન લેવાની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સક્રિય અને ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોનું એક વિસ્તૃત લિસ્ટ પોલીસ કમિશનરની સૂચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. 

ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડની તૈયારીઓ

આ લિસ્ટના આધારે ટૂંક સમયમાં જ મોટા પાયે ગુનેગારો સામે પાસા હેઠળ ધરપકડ કરી તેઓને પાંજરે પૂરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ વખતે પોલીસનું મુખ્ય નિશાન સામાન્ય જનતાને હેરાન-પરેશાન કરતા વિવિધ પ્રકારના આરોપીઓ છે.કડક કાર્યવાહીના દાયરામાં ગુનાઓમાં સામેલ તત્વોને આવરી લેવાશે. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરીને સામાન્ય અને ગરીબ નાગરિકોને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા વ્યાજ માફિયાઓ, હત્યા, હત્યાનો પ્રયાસ, ગંભીર મારપીટ, ગુંડાધામી અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરતા તત્વો, મહિલાઓ અને યુવતીઓની છેડતી, રોમિયોગિરી કે મહિલા સતામણીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ, અડ્ડા ચલાવતા, મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કરતા અને વિસ્તારમાં દાદાગીરી કરતા સ્થાનિક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

પોલીસ કમિશ્નરે પોલીસ અધિકારીઓને આપ્યો આદેશ

પોલીસ કમિશનરે આ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમદાવાદ શહેરમાં કાયદાનું શાસન સર્વોપરી છે અને નાગરિકોની શાંતિ હણનારા કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.જે આરોપીઓ સામે ભૂતકાળમાં એકથી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવા તમામ ઈસમો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી સંબંધિત જેલોમાં ધકેલવાની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે.શહેરના તમામ પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારના લિસ્ટેડ ગુનેગારો પર સતત નજર રાખવા અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ વધારવાના આદેશ અપાયા છે. 

આ પણ વાંચોઃ Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી