દિવાળીના તહેવારોની શુભ શરૂઆત થઈ ગઈ છે અને મીઠાઈઓની આપ લે પણ શરૂ થઈ ગઈ છે. સતત તહેવારો અને પૂજા હોય કે પોલિટીક્સ, પ્રજા માટે અડિખમ પોલીસ થોડા હાશકારા સાથે તહેવારોના મોડ પર આવી છે. વહિવટદારોએ વહેલા દિવાળી પુરૂ કરી નાખી તો ક્યાંક મોટા ઉઘરાણાને ટાળવા રજાના મોડ પર જતા રહ્યા છે. વાંચો આ વખતની પોલીસ પંચાતમાં ખાસ શું છે ?


K કંપનીના નામે ક્યાં સુધી કડક સજા ભોગવવાની?

તાજેતરમાં ઘણા લાંબા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની શહરે પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવતા 700 જેટલા કર્મીઓમાં આનંદ ફેલાયો હતો કેમકે રિશફલ એ રીતે હતું કે કોઈની નારાજગી સામે નોહતી આવી. જો કે છેલ્લા ઘણા લાંબા સમયથી K કંપનીમાં બદલી કરવામાં આવેલા કે પછી કોઈ સજાના ભાગરૂપે કે પછી કોઈ ગેરસમજના કારણે બદલી પામેલા કર્મીઓ સવાલ પુછી રહ્યા છે કે તેમણે ક્યાં સુધી આ સજા ભોગવવાની છે? મોટાભાગના કેસમાં PSI ને આવા કોન્સ્ટેબલોની દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે તો આનું હવે નિરાકરણ લાવીને એકિટ્વ કામગીરી કરવાનો મોકો તો આપવો જ જોઈએ.

સોથી ખુશ વહિવટદારો, હાશ ઉઘરાણા પુરા થયા બોસ

દિવાળી એક એવો તહેવાર છે કે, આ સમયે નાની પોલીસથી લઈ ઉચ્ચ અધિકારીઓને સાચવવામાં આવતા હોય છે, સ્વભાવિક છે કે, દિવાળીના સમયે નાના કર્મચારીથી લઈ સૌ કોઈને એવી આશા હોય કે અમને કંઈક મળે અને દિવાળી સુધરે, પણ આ વખતે ઘણા પોલીસ સ્ટેશનના વહિવટદારોએ શાંતિથી ખાનગી ખૂણે ઉઘરાણી કરી દીધી છે, તો ઘણા વહિવટદારો એવા છે કે તેમના વિસ્તારમાં કોઈ ધંધા નથી ચાલતા તેવા વહિવટદારોએ પણ દિવાળીનો સમય શાંતિથી ઉઘરાણી કરીને પૂર્ણ કરી દીધો.. હવે આટલું બધુ ઘી ના ઠામમાં ઘી પડી ગયુ હોય તો પછી ઉચ્ચ અધિકારીઓ શું કામ લોડ લે ભાઈ ?

કૃષ્ણનગર, ચાંદખેડા, ખોખરામાં દિવાળી બાદ મૂકાશે નવા PI ?

અમદાવાદ શહેરમાં બે પોલીસ ઈન્સપેકટરની વડોદરા બદલી કરવામાં આવી છે અને એક PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પીઆઈની બદલી તો આવી ગઈ છે પરંતુ તહેવારનો સમય હોવાથી હાલમાં તેમને છૂટા કરવામાં આવ્યા નથી, તો ખોખરા પોલીસ સ્ટેશનને ચાર્જમાં ચલાવવામાં આવી રહ્યું છે, ચાંદખેડા અને કૃષ્ણનગર પીઆઈને દિવાળી બાદ છૂટા કરવામાં આવી શકે છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની બોલબાલા વધુ છે અને ઘણા સિનિયર PIએ આ બાબતે લોબિંગ પણ શરૂ કર્યુ હોવાની વાત છે, પણ સક્ષમ અને હોશિયાર અધિકારીને જ હવે સારા પોલીસ સ્ટેશન મળશે તે વાત પણ નક્કી છે.

હોક બાઈક"નું પેટ્રોલિંગ વિસ્તારમાં ઘટી ગયું !
તહેવારના સમયે ચોરી અને ઘરફોડની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં પોલીસ સ્ટેશન પ્રમાણે હોક બાઈક ફાળવવામાં આવ્યા છે અને તે હોકબાઈક પેટ્રોલિંગ કરે છે અને વિસ્તારમાં નજર રાખતા હોય છે, છેલ્લા ઘણા સમયથી એવી વાત પોલીસ બેડામાં ચાલી રહ્યાં છે કે, હોક બાઈક ધૂળ ખાઈ રહ્યાં છે, ત્યારે આ હોક બાઈકની ધૂળ ઉતારી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવે તેવી સૂચના ઘણા પોલીસ સ્ટેશનના PIએ પોલીસને આપી છે, ત્યારે આ હોકબાઈકમાં જે સ્ટાફ ફરજ બજાવતો હોય છે તેનું સીધુ મોનિટરીંગ PIથી ઉપરી કક્ષાના અધિકારીઓ હેઠળ કરવામાં આવતું હોય છે, હવે જ્યારે દિવાળી હોય કે અન્ય કોઈ પણ દિવસો હોય હોક બાઈકનું પેટ્રોલિંગ જરૂરી બન્યું છે જેના કારણે પોલીસની હાજરી પણ વિસ્તારમાં દેખાય અને ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓ પર કાબુ પણ મેળવી શકાય છે.

જનતાને સુરક્ષા સમજાવવા પોલીસ ચોરના સ્વાંગમાં
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન થયું હતુ જેમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો તથા ઊચ્ચ પોલીસ અધિકારીઓની ઊપસ્થિતિમાં, શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગત પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી, આગામી દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સલામતી અને સુખાકારી માટે શહેર પોલીસ કટિબદ્ધ રહેશે તેવી વાત સામે આવી છે. દિવાળીના માહોલમાં એક પળની બેદરકારી પણ મોંઘી પડી શકે છે. DCP ઝોન-2 પોલીસે એક અનોખી પહેલ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પોતે ચોર બની લોકોને સમજાવ્યું કે બજારમાં ચોર કેવી-કેવી યુક્તિઓ અપનાવે છે. તમારા બેગ, પર્સ, અને અન્ય કીમતી સામાન સુરક્ષિત રાખો અને હંમેશાં આસપાસ નજર રાખો અને તમારી સાથે રહેલો કિમતી સામાન સાચવીને રાખો.
  • Follow us on: