અમદાવાદ શહેરમાં વધતા જતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા શખ્સો સામે પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને શંકાસ્પદ જણાયેલા 951 લોકોને રાઉન્ડ અપ કરીને તેમની કડક પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે આ તમામ શખ્સોને ડ્રગ્સના ધંધાથી દૂર રહેવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

મિલકત જપ્ત કરવાની ચીમકી અને પોલીસકર્મીઓની જવાબદારી

પોલીસ કમિશનર કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ શખ્સ ફરીથી ડ્રગ્સની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાશે, તો તેની ગેરકાયદે સંપાદિત મિલકતો જપ્ત કરવામાં આવશે અને ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત, જો ડ્રગ્સના આ કારોબારમાં સ્થાનિક પોલીસની મિલીભગત કે બેદરકારી સામે આવશે, તો સંબંધિત પોલીસકર્મીઓ સામે પણ સસ્પેન્શન સહિતની કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

ટેલિગ્રામ અને ડાર્ક વેબ મારફતે ચાલતા ડિજિટલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ

પોલીસની તપાસ માત્ર ગલી-મહોલ્લાના નેટવર્ક પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ટેલિગ્રામ ગ્રૂપ અને UPI પેમેન્ટ દ્વારા ઓનલાઇન ડ્રગ્સ વેચાતા હોવાની વિગતો સામે આવી છે.

Ahmedabad News: Police Mega Operation: 951 Suspects Interrogated Over Drugs Network

આ સાથે જ, થાઇલેન્ડ મારફતે ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી ડાર્ક વેબની 10થી વધુ વેબસાઇટ્સ પણ પોલીસની તપાસના દાયરામાં આવી છે. મધ્યપ્રદેશના મંદસૌર અને રાજસ્થાનના ભવાની મંડી તરફથી આવતા સપ્લાય રૂટ તેમજ પાનના ગલ્લા અને કફ સિરપના વિતરણ પર પણ એજન્સીઓ બાજ નજર રાખી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીના સંકલ્પને સાકાર કરવા પોલીસની મેઘાવી કામગીરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2028ના અંત સુધીમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ સંકલ્પને અનુસરીને જ અમદાવાદ પોલીસ (SOG, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ 8 ઝોનની ટીમો) દ્વારા આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં ડ્રગ્સના સપ્લાયર્સ, સ્થાનિક પેડલર્સ અને તેના નાણાકીય નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા વધુ સઘન પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!