પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
અમદાવાદ પશ્ચિમ RTO ઓફીસની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનના PIને ફરિયાદ લેવામાં આળસ કે પછી અરજદાર જોડે પુરાવાનો અભાવ !
અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ RTO ઓફીસની નજીક એક પોલીસ સ્ટેશન આવેલું છે અને આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાની લૂંટને લઈ પોલીસ અને અરજદાર વચ્ચે વિવાદ વધ્યો છે, ત્યારે અરજદારે ઉચ્ચ અધિકારીઓને મળીને આ બાબતે રજૂઆત કરી હતી કે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી, અને હજી સુધી આ કેસમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે 7 મહિનાથી આ વિવાદ એટલો વકરી રહ્યો છે કે, પીઆઈને અરજદારને એવું કહેવું છે કે, લૂંટ થઈ હતી તે માની લઈએ પણ અમને બીલ આપો, પરંતુ અરજદાર પાસે બીલ ન હોવાથી આ કેસ પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે આ અરજદારને ન્યાય મળે તે માટે તે પોલીસ અધિકારીઓ પાસે પણ ધક્કા ખાઈ રહ્યો છે, તો આ કેસમાં અરજી પર જ પાંદડુ અટકી રહ્યું છે અને પીઆઈને જાણે આ કેસમાં કોઈ રસ જ નથી તેવું લાગી રહ્યું છે.
પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં અન્ય પોલીસ સ્ટેશનની હદમાં ચોકી હોવાનો ગણગણાટ લાંબા સમયથી ચાલુ
અમદાવાદ શહેરમાં કોલેજની નજીક આવેલું એક એવું પોલીસ સ્ટેશન કે જેની પોલીસ ચોકી અન્ય પોલીસ સ્ટેશનના વિસ્તારની હદમાં આવેલી છે, પીઆઈએ ઉચ્ચ અધિકારીઓને ઘણી વાર રજૂઆત કરી છે તેમજ કોર્પોરેશનને પણ રજૂઆત કરી છે કે, અમને નવી ચોકી બનાવવા માટે જગ્યા ફાળવો તેમ છત્તા પીઆઈની વાત કોઈ ગણકારતું નથી તો બીજી તરફ જે વિસ્તારની હદ છે તેમાં તો ચોકી છે અને તેને પણ ખાલી કરી દેવા માટે કોર્પોરેશને આદેશ કર્યો છે, તો આ પોલીસ સ્ટેશનને કોઈ ચોકી માટે જગ્યા આપતું નથી તેને લઈ પોલીસબેડામાં ગણગણાટ શરૂ થયો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, પીઆઈની વાત કોર્પોરેશન અને પોલીસના ઉચ્ચ અધિકારી સુધી કયારે પહોંચશે.
ટ્રાફિક વિભાગના આ PIને ધ્યાન જ નથી કે શું ! બ્રિજ પરથી હજી ભારે વાહનો પસાર થાય છે અને તમારી પોલીસ જોતી રહે છે
પશ્ચિમ વિસ્તારમાં એક જાણીતી ગુજરાતી હોટલ આવી છે અને આ હોટલની નજીક જ એક એવો બ્રિજ છે જેની મરામત ચાલી રહી છે અને આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર નહી થવા દેવા તેને લઈ અનેકવાર રજૂઆતો થઈ છે, પશ્ચિમ વિસ્તારના એક પીઆઈને એવી ચિંતા બેઠી છે કે, આ બ્રિજ આમ પણ ખખડી ગયો છે અને તેની પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યાં છે તો કોઈ દુર્ઘટના સર્જાશે તેના માટે કોણ જવાબદાર રહેશે ! સૂત્રોએ એવી પણ જાણકારી આપી છે કે, આ બ્રિજની આસપાસ ટ્રાફિક પોલીસની આંખની સામે જ ભારે વાહનો પસાર થાય છે, ત્યારે આ ટ્રાફિક વિભાગના પીઆઈ જરા જાગી જાવ અને જુઓ આ મોટા અને ભારે વાહનોને લઈ ડાયવર્ઝન આપો નહીતર બ્રિજની દુર્ઘટના બનશે તો કોઈનો જીવ પણ જઈ શકે છે.
ઘણા PIએ આ 3 પોલીસ સ્ટેશન મેળવવા રાજકીય લોબિંગ શરૂ કર્યુ, પણ ઉચ્ચ અધિકારીનો અભિગમ કામગીરીનો છે નહી કે ભલામણનો
અમદાવાદ શહેરમાં 3 પોલીસ સ્ટેશન એવા છે કે જયાં ટૂંક સમયમાં 3 PIને પોસ્ટિંગ આપવામાં આવશે અને ગાંધીનગરની હદથી નજીક આવેલું એક પોલીસ સ્ટેશન તો એવું ક્રીમ પોલીસ સ્ટેશન છે કે, ત્યાં સીટ મેળવવા માટે ઘણા પીઆઈઓએ ધારાસભ્યથી લઈ ગાંધીનગર સુધીના અધિકારીઓની ઓળખાણ લગાવી છે, પંરતું આ વખતે પોસ્ટિંગ માટે કોઈ ઓળખાણની જરૂર નથી, જરૂર છે તો બસ તમારી સારી કામગીરીની, ત્યારે આ વખતે ચાંદખેડા, ખોખરા ,કૃષ્ણનગરમાં એવા પીઆઈને પોસ્ટિંગ અપાશે કે જેમની કામગીરી સારી રહી છે, ત્યારે આ વખતે ભલામણ ના કરતા પરંતુ જો હજી પણ સારા પોલીસ સ્ટેશન જોઈતા હોય તો સારી કામગીરી કરજો તો કોઈને ભલામણ કરવાનો વારો નહી આવે.
PI હોય તો આવા, જેમણે ફાયરિંગની ટ્રેનિંગ લેવા ગયેલી પોલીસ માટે ફુલ ડીશ જમવાની વ્યવસ્થા કરી
પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને ઈસરોની નજીક આવેલ એક પીઆઈની કામગીરી પોલીસે ખૂબ વખાણી છે, વાત એમ છે કે, પોલીસ વિભાગમાં અલગ-અલગ ટ્રેનિંગ આવતી હોય છે અને તે ટ્રેનિંગ લેવી પોલીસ માટે ફરજિયાત છે, ત્યારે અમદાવાદથી ખેડા જિલ્લાના મેરિડા ખાતે પોલીસ ફાયરિંગને લઈ ટ્રેનિંગ લેવા માટે ગઈ હતી, આમ તો તમે ટ્રેનિંગમાં જાવ તો જમાવાની અને ચા-પાણીની વ્યવસ્થા પોતાએ જ કરવાની હોય છે પરંતુ શહેરના એક પોલીસ સ્ટેશનના પીઆઈએ તેમના નાના કર્મચારીઓની ચિંતા કરી અને ટ્રેનિંગ વખતે ફુલ ભાણા જમવાની વ્યવસ્થા કરી હતી, અને પોલીસે ટ્રેનિંગ પતાવીને તે જમણ કર્યુ અને હાશકારનો ઓડકારો લીધો હતો. કોઈ ભાગ્યે જ આવા પીઆઈ હોય છે જે પોલીસનું ધ્યાન રાખતા હોય છે.










