અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં થયેલી નિર્મમ હત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઝડપાયેલા 7 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ ઘટનામાં કુલ 9 આરોપીઓએ ભેગા મળીને નૈસલ ઠાકોર નામના યુવાનની સરાજાહેર હત્યા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


9 આરોપીએ સરાજાહેર યુવાનની કરી હતી હત્યા.

આ ઘટના 12મી સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પાલડીના ધમધમતા ભઠ્ઠા વિસ્તારમાં જ્યાં રાત-દિવસ લોકોની અવરજવર હોય છે ત્યાં જ આ ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે એક યુવાન દોડતો દોડતો આવે છે અને રસ્તા પર ઢળી પડે છે. ત્યારબાદ 6થી 7 લોકોનું એક ટોળું તેને માર મારવાનું શરૂ કરે છે. એટલું જ નહીં આ ટોળું ગાડીમાં બેસીને આગળ જાય છે અને ફરી પાછું આવીને અધમૂવા યુવાન પર ગાડી ચઢાવી દે છે. આટલેથી પણ સંતોષ ન થતા કેટલાક લોકો ફરી ગાડીમાંથી ઉતરીને તેને માર મારે છે. આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે ગુનેગારોના મનમાં પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.

અંગત અદાવતમાં હત્યાને અપાયો અંજામ

પોલીસની તપાસમાં આ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. આ કેસનો મુખ્ય આરોપી અજય ઠાકોર છે. વર્ષ 2016માં તેના ભાઈ મહેશ ઠાકોરની હત્યા થઈ હતી. જેનો બદલો લેવા તેણે આ ક્રૂર કાવતરું રચ્યું હતું. હત્યાનો બદલો ન લેવાય ત્યાં સુધી માથાના વાળ ન કપાવવાનું પ્રણ લીધું હતું. આ જ બદલાની ભાવનાથી પ્રેરાઈને તેણે તેના સાગરીતો સાથે મળીને શૈલેષ ઠાકોરના ઘરે હત્યાનું આયોજન કર્યું હતું.

પોલીસે ઘટનાસ્થળે 7 આરોપીઓનું કર્યું રિકન્સ્ટ્રક્શન

હત્યા બાદ આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં ભાગી જાય તે પહેલા જ પોલીસે બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 9 આરોપીઓમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લાવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેથી હત્યાના સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડી શકાય અને કાયદાકીય પુરાવા મજબૂત બનાવી શકાય.

ઝડપાયેલા 9 આરોપીઓના નામ

ઝડપાયેલા 9 આરોપીઓના નામ: અજય ઠાકોર (મુખ્ય આરોપી), શૈલેષ ઠાકોર, મયુર ઠાકોર, ચીંટુ ઠાકોર, સૌરવ ઠાકોર, સાહિલ ઠાકોર, ચિંતન ઠાકોર, રોહન ઠાકોર, મહેશ ઠાકોર. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી અને ખુલ્લેઆમ થતા આવા કૃત્યો પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના દાવાઓ પર સવાલ ઉભા કરી રહ્યા છે. લોકોની માંગ છે કે આવા ગુનેગારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.


  • Follow us on: