અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાણંદમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડયા છે, ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે દરોડા પાડીને યુવક-યુવતીને ઝડપી પાડયા છે, પોલીસે મોડી રાત્રે તમામ લોકોની અટકાયત કરી છે અને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.
સાણંદમાં દારુની મહેફિલ પર પોલીસના દરોડા
સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં ડીજે પાર્ટીની સાથે ચાલતી દારુ મહેફિલ પર પોલીસે દરોડા પાડયા છે, 50 જેટલા યુવક-યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, આ મહેફિલમાં 26 યુવતીઓ અને 13 યુવકો હતા જે લોકો રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા તે દરમિયાન પોલીસ ત્રાટકી અને તમામ લોકોની અટકાયત કરી હતી, પોલીસે દારુની બોટલો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો અને સાણંદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અંદાજિત 50 જેટલા યુવક-યુવતીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા
સાણંદમાં અનેકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાતી હોય છે, હાઈ પ્રોફાઈલ લોકો રિસોર્ટમાં દારૂની પાર્ટી માણતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે જેમાં યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જન્મદિવસની ઉજવણી ચાલતી હતી અને તેમાં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. હાલમાં તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે અને તમામના મેડિકલ રીપોર્ટ પણ પોલીસે કઢાવ્યા છે અને હાલમાં ઝડપાયેલ લોકોને લોકઅપમાં મૂકવામાં આવ્યા છે.
5 સીલબંધ દારૂની બોટલ મળી આવી
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં 70 થી 80 લોકો તથા દારૂ હોવાની બાતમી મળેલ. જેના આધારે સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી રેડ કરવામા આવેલ. બર્થડે પાર્ટીના આયોજક પ્રતીક સાંઘીએ કર્યુ હતુ તેઓ અમદાવાદના રહેવાસી છે, રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવેલ જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળી આવેલ જે કબ્જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.









