અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્ક ખાતે પકડાયેલી MD ડ્રગ્સ ફેક્ટરીના મામલામાં હવે એક નવો અને મોટો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી મુદસ્સર પઠાણની માતા સુલતાના પઠાણનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે શિવા મહાલિંગમ અને સલમાન નામના શખ્સો સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. માતાના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર અગાઉ સામાન્ય સ્થિતિમાં હતો, પરંતુ અમુક લોકોના સંગાથના કારણે આ માર્ગે ચડી ગયો હતો.
શિવા મહાલિંગમના સંપર્કમાં આવ્યા બાદ પુત્ર બરબાદ થયાનો દાવો
આરોપી મુદસ્સરની માતાએ દાવો કર્યો છે કે, શિવા મહાલિંગમ સાથે સંપર્કમાં આવ્યા બાદ જ મુદસ્સર ખોટા રસ્તે ભટકાયો હતો. કોલ સેન્ટરના ધંધામાં ફસાયેલા પોતાના નાણાં પાછા કઢાવવા માટે કુખ્યાત શિવા મહાલિંગમના ઈશારે જ ફાયરિંગ કરાવવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો છે. માતાએ સ્વીકાર્યું છે કે, તેનો પુત્ર ડ્રગ્સનો નશો કરતો હતો, પરંતુ આ લત તેને માનસિક ચિંતા અને ફસાયેલા નાણાના કારણે લાગી હતી.
