અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવાના ભાગરૂપે સરખેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટણની કુખ્યાત 'મસ્તાની ગેંગ'ના મુખ્ય સાગરીત અને વિવાદિત આરોપી ભાવેશ જીલીયા વિરુદ્ધ સરખેજ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. બુધવારની રાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભાવેશ જીલીયાની અટકાયત કરી તેની સામે કડક કાનૂની પગલાં ભર્યા હતા.

જમીન દલાલ પર હુમલાનો ગુનો

મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ચર્ચિત કર્ણાવતી ક્લબના મુખ્ય ગેટ સામે એક જમીન દલાલ પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ચકચારી કેસમાં ભાવેશ જીલીયાની સંડોવણી સામે આવી હતી. જમીન દલાલીના વિવાદ અને મિલકતના મામલે થયેલા આ હુમલા બાદ સરખેજ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ ચક્ર ગતિમાન કર્યા હતા અને આખરે તેને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.

પાસા હેઠળ ભુજ જેલ મોકલાયો

શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ભય રહે તે હેતુથી અમદાવાદ સરખેજ પોલીસે ભાવેશ જીલીયા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ કાર્યવાહીને મંજૂરી મળતાં જ બુધવારની રાત્રે તેને પાસા હેઠળ અટકાયતમાં લઈને સુરક્ષા વચ્ચે ભુજની હાઇ-સિક્યોરિટી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સરખેજ પોલીસની આ આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે.


આ પણ વાંચો: Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર