અમદાવાદના નરોડા-મુઠિયા વિસ્તારમાં આવેલી 'શ્યામ ઉપવન' ની નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. એક સગીરા સાઇટ પર કામ કરતા પોતાના પિતાને ટિફિન આપવા માટે પહોંચી હતી. ટિફિન આપીને જ્યારે સગીરા પરત જઈ રહી હતી, ત્યારે 10મા માળે ત્રણ અજાણ્યા યુવકોએ તેને અટકાવી હતી. આરોપીઓએ સગીરા પાસે તેનો ફોન નંબર માંગવા માટે દબાણ કર્યું હતું. સગીરાએ નંબર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈને તેના બંને હાથ પકડી લીધા હતા અને તેની સાથે છેડતી કરી હતી.

સગીરા બચવા મથી તો 10મા માળેથી સીડીઓની ખાલી જગ્યામાં નીચે ફેંકી દીધી

પોતાની આબરૂ બચાવવા માટે સગીરાએ આરોપીઓના સિકંજામાંથી છૂટવાનો સતત પ્રયાસ કર્યો હતો. જેથી ક્રોધે ભરાયેલા આરોપીઓએ રાક્ષસી મનોવૃત્તિ દર્શાવી સગીરાને ઊંચકીને 10મા માળેથી સીડીઓની વચ્ચે આવેલી લિફ્ટની ખાલી જગ્યામાં નીચે ફેંકી દીધી હતી. 10મા માળેથી સીધી નીચે પટકાતાં સગીરાના મોઢા પર તેમજ શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. શરીરમાં અનેક જગ્યાએ ગંભીર ફ્રેક્ચર થતાં તેને તાત્કાલિક ધોરણે અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાનના 3 આરોપીઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

આ બર્બર ઘટના અંગે સગીરાના પિતાએ હિંમત દાખવીને નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટા અને દિનેશ નીનામા નામના ત્રણ શખ્સો સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે. નરોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Sabarkanthaના પોશીનામાં ખનીજ માફિયાઓ બેફામ, ભ્રષ્ટ તંત્રની મિલીભગતથી રાતના અંધારામાં લાખોની રેતી ચોરી