ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ધમધમતા હુક્કાબાર અને કેફે સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યંત આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. એસએમસીની ટીમે બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં એકસાથે ચાર અલગ-અલગ સ્થળોએ અચાનક દરોડા પાડ્યા હતા. આ સઘન ઓપરેશનના કારણે ગેરકાયદે હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ભારે નાસભાગ અને ફફડાટ ફેલાઈ ગયો હતો.
કયા ચાર સ્થળો પર થઈ કાર્યવાહી?
એસએમસીની ટીમે ચાર લોકેશન પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગાંધીનગરના ચર્ચિત ‘ટેમ્પેશન કેફે’ માં રેડ પાડીને 12 ગ્રાહકો સહિત સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ‘TC's લાઉન્જ એન્ડ રેસ્ટોરન્ટ’માંથી 8 જેટલા લોકો મળી આવ્યા હતા. તેમજ ચાંદખેડાના ‘કિંગ્સ કેફે’માં તપાસ હાથ ધરી 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને સરખેજના ‘જેકલ લાઇવ કેફે’માંથી ગેરકાયદેસર રીતે ચાલતો હુક્કાનો જથ્થો અને સાધન સામગ્રી મળી આવી હતી.

