ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ચાંગોદર પંથકમાં રેડ પાડીને વિદેશી દારૂના કારોબારનો પર્દાફાશ કર્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને કારણે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે એસએમસીની ટીમે ત્રાટકીને કોલાટ ગામની સીમમાં આવેલ શંકાસ્પદ મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠે તેટલો મોટો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પાંચ શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
એસએમસીની આ સઘન તપાસમાં મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરની આશરે 35 પેટીઓ તેમજ કુલ 410 જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી.જપ્ત કરાયેલા આ વિદેશી દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ.1336064 જેટલી થવા જાય છે.પોલીસે દારૂના આ જથ્થા ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહન અને બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1426064નો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ દરોડા અને રેડ દરમિયાન સ્થળ પર હાજર કુંજ અરવિંદભાઈ પટેલ નામના શખ્સની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.અરવિંદભાઈ પટેલ સહિત કુલ પાંચ શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
