અમદાવાદ શહેરમાં કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝીલ શાહ પર વ્યાજખોરી અને દાદાગીરીના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટના સંબંધિત એક ઓડિયો ક્લિપ અને CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે, જેના પગલે પોલીસ તપાસ શરૂ થઇ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી જાણકારી અનુસાર, ઝીલ શાહે ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા આ રૂપિયા પરત લેવા માટે તેમણે દાદાગીરીનો માર્ગ અપનાવ્યો હોવાનું કહેવાય છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં રૂપિયા લેવડદેવડ અને ધમકીભરી ભાષા સાંભળવા મળે છે. આ ઉપરાંત, CCTV ફૂટેજમાં ઝીલ શાહ ફરિયાદીના ઘરે પહોંચીને તેમની સાથે મારામારી કરતા પણ દેખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને ન્યાયની માંગ કરી છે.
રાજકીય નેતાનું આ પ્રકારનું વર્તન યોગ્ય?
આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. એક રાજકીય પક્ષના મહિલા પ્રમુખ તરીકે ઝીલ શાહનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણી શકાય? જે પક્ષ સામાન્ય નાગરિકોના હકની વાત કર્યો હોય, તેના જ એક જવાબદાર પદાધિકારી પર વ્યાજખોરી અને દાદાગીરી જેવા ગંભીર આરોપો લાગી રહ્યા છે. આ ઘટનાથી કોંગ્રેસ પક્ષની છબીને પણ મોટો ધક્કો લાગ્યો છે. એક તરફ સરકાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે વિપક્ષના નેતા પર આવા આરોપો લાગવા એ અત્યંત ચિંતાજનક બાબત છે. પોલીસે આ મામલે તટસ્થ અને ઝડપી તપાસ કરવી જોઈએ અને જો આરોપો સાબિત થયા તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.









