અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરતા SOG ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી સફળતા મેળવી છે. ઓઢવ રિંગ રોડ પર ગજરાવાડી પાર્ક પાછળ આવેલા સંકટમોચન હનુમાન મંદિર નજીક સર્વે નંબર 188ના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મકાનમાંથી 1 કિલો 184 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.59,200 આંકવામાં આવી છે.

રોકડ, વજનકાંટો અને પેકિંગ સામગ્રી સહિત રૂ.1,07,050 કબજે

દરોડા દરમિયાન પોલીસે ગાંજા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ગાંજાના પેકિંગ માટેની સામગ્રી, ડિજિટલ વજનકાંટો, મોબાઈલ અને રોકડ રૂ.42,850 મળીને કુલ રૂ.1,07,050નો મુદ્દામાલ કબજે લેવાયો છે. નશીલા પદાર્થના વેચાણ કે વિતરણમાં વપરાતી સામગ્રી મળી આવતા પોલીસ દ્વારા આ નેટવર્ક અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

સંજય બાજપાઈ અને ધરમવીરસિંગ રાજપૂતની ધરપકડ, NDPS હેઠળ ગુનો

આ મામલે SOG ક્રાઈમ બ્રાન્ચે સંજય છન્નુલાલ બાજપાઈ અને ધરમવીરસિંગ શ્રીરામખિલાવનસિંગ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં 26 વર્ષીય ધરમવીરસિંગ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ગાંજાનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને સપ્લાય કરાતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો