અમદાવાદ શહેરમાં મોંઘાદાટ અને કિંમતી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી શાતિર ગેંગનો સોલા હાઇકોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ગોતા સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા પાસેથી 21 વર્ષીય રીઢા બાઇક ચોર વિકાસ પરમારને ઝડપી પાડ્યો છે. મૂળ ડુંગરપુર, રાજસ્થાનનો રહેવાસી અને હાલ ઘાટલોડિયા ખાતે રહેતો આ આરોપી પોતાની પાસે ચોરીની બાઇક રાખીને ફરતો હતો, ત્યારે જ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.
ડુપ્લિકેટ ચાવીથી ચોરી અને AMC પાર્કિંગમાં સંતાડતા
પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તે પોતાના મિત્ર સાથે મળીને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને ડુપ્લિકેટ ચાવી વડે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ વાહનોને પકડાઈ જવાના ડરથી AMC ના પાર્કિંગમાં દીવાલની આડમાં સંતાડી દેતા હતા. આરોપીની કબૂલાતના આધારે પોલીસે વધુ 5 બાઇક શોધી કાઢી હતી.
ઉકેલાયેલા 6 ગુનાઓ અને જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ
- વાસણા પોલીસ સ્ટેશન: Yamaha R15-M (કિંમત રૂ. 1.30 લાખ)
- વાડજ પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 90 હજાર)
- સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: Bajaj Pulsar 180 (કિંમત રૂ. 25 હજાર)
- ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન: Yamaha R15 (કિંમત રૂ. 1.50 લાખ)
- વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: Hero HF Deluxe (કિંમત રૂ. 35 હજાર)
- આનંદનગર પોલીસ સ્ટેશન: Bajaj Pulsar RS-200 (કિંમત રૂ. 40 હજાર)
વતનમાં સસ્તા ભાવે વેચવાનો હતો પ્લાન
આરોપીઓ આ મોંઘાદાટ બાઇક્સ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને પોતાના વતન રાજસ્થાન ખાતે ઓછા ભાવે વેચી દેતા હતા. આરોપી વિકાસ પરમાર સામે અગાઉ પણ વાહન ચોરીના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ રૂ. 4.70 લાખની મત્તાની કુલ 6 મોટરસાઇકલ કબ્જે કરીને ફરાર સહ-આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - 17 August Top News: 17 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ