ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલા વાહનોની વચગાળાની મુક્તિને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ જપ્ત થયેલા વાહનોને વચગાળે છોડવા પર સંપૂર્ણ અથવા નિરપેક્ષ પ્રતિબંધ નથી. કોર્ટે જણાવ્યું કે દરેક કેસની હકીકત, પરિસ્થિતિ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સંબંધિત કોર્ટ વાહનની વચગાળાની મુક્તિ અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.
ખાણીપીણીના સામાન વચ્ચે મળી હતી દારૂની 8,064 બોટલ
આ સમગ્ર મામલો દારૂની તસ્કરીમાં જપ્ત કરાયેલા એક ટ્રક સાથે સંબંધિત છે. ટ્રકને મોડાસાથી વડોદરા તરફ જતા સમયે રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાણીપીણીના સામાન વચ્ચે 8,064 બોટલ IMFL મળી આવી હતી. જપ્ત કરાયેલી દારૂની માત્રા અંદાજે 22,532 લીટર હોવાનું અને તેની કિંમત આશરે 17.02 લાખ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ટ્રક જપ્ત કરી લીધો હતો.
ટ્રક એક વર્ષથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હતો
ટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટ કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમનો ગુના સાથે કોઈ સીધો સંબંધ નથી અને ટ્રક લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હોવાથી તેની હાલત ખરાબ થઈ રહી છે. ટ્રાયલ કોર્ટ, સેશન કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે અગાઉ ટ્રકની વચગાળાની મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
15 લાખની સુરક્ષા પર ટ્રક છોડવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગુજરાત પ્રોહિબીશનના અધિનિયમની કલમ 98(2) વાહનને વચગાળે છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવતી નથી. આ કેસમાં કોર્ટે 15 લાખની સુરક્ષા આપવાની શરતે ટ્રક માલિકને વાહનની વચગાળાની કસ્ટડી સોંપવાનો આદેશ કર્યો છે. જોકે, ટ્રક વેચવા અથવા તેના પર કોઈ ત્રીજા પક્ષનો અધિકાર ઊભો કરવા પર રોક લગાવવામાં આવી છે.
દારૂ તસ્કરીને રાહત નહીં
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દારૂની તસ્કરીને યોગ્ય ઠેરવતો નથી. કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ દરમિયાન જ થશે. પરંતુ કેસ ચાલે ત્યાં સુધી જપ્ત વાહન વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં ખુલ્લામાં પડી સડી જાય અને તેની કિંમત ઘટતી જાય તે જરૂરી નથી. આ નિર્ણય ગુજરાતમાં પ્રોહિબીશન કાયદા હેઠળ જપ્ત વાહનોના માલિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ