અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને શહેરની અગ્રણી એવી SVP હોસ્પિટલ માંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારની પ્રખ્યાત આયુષ્માન ભારત - PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવતા સર્જીકલ સાધનોની કાળી બજારી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અંદાજે રૂ. 39.78 લાખની માતબર કિંમતના સર્જીકલ સાધનો હોસ્પિટલમાંથી બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થતા સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ઓળખ કાર્ડનો દુરુપયોગ કરી 90 સર્જીકલ ડ્રેપ ઇશ્યૂ કર્યાની કબૂલાત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર કૌભાંડ હોસ્પિટલના ઉપરી અધિકારીઓની જાણ બહાર ખૂબ જ ચતુરાઈપૂર્વક આચરવામાં આવ્યું હતું. આ ગેરરીતિમાં હોસ્પિટલના 8 જેટલા તબીબો (ડોક્ટરો) સીધી રીતે શંકાના દાયરામાં આવી ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દર્દીઓના નામ કે અન્ય વ્યક્તિઓના ઓળખ કાર્ડનો ગેરકાયદે દુરુપયોગ કરીને આ સાધનો મેળવવામાં આવ્યા હતા. એક તબીબ દ્વારા તો સત્તાવાર રીતે 90 જેટલા સર્જીકલ ડ્રેપ ઇશ્યૂ કર્યા હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે, જેનાથી આ કૌભાંડના તાર વધુ ઊંડા હોવાની આશંકા છે.
