અમદાવાદમાં દિવાળીના તહેવાર નિમિત્તે હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ પોલીસે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન દરમિયાન રામોલ પોલીસને મોટી સફળતા મળી છે.
અમદાવાદમાં કારમાંથી 1.20 કરોડની રોકડ મળી
પોલીસે કારમાં સવાર શખ્સ સમશેર બહાદુર ઉર્ફે વિનય સિંહ પાસેથી કુલ ₹ 1 કરોડ 20 લાખની માતબર રોકડ રકમ કબ્જે કરી હતી. આટલી મોટી રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં પહોંચાડવાની હતી તે અંગે પોલીસ દ્વારા વિનય સિંહની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે રોકડના સ્ત્રોત અને હિસાબ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
રામોલ પોલીસે બિનહિસાબી રોકડ કબજે કરી
સમગ્ર મામલે રામોલ પોલીસે તુરંત જ આવકવેરા વિભાગને જાણ કરી હતી, જે હવે આ રોકડ રકમ અને તેના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, રામોલ પોલીસે તાજેતરમાં જ CTM એક્સપ્રેસ હાઇવે પરથી આ પ્રકારની બિનહિસાબી રોકડ જપ્ત કરવાની બીજી મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પણ પોલીસે આજ વિસ્તારમાંથી ₹ 50 લાખની રોકડ રકમ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.
પોલીસે આવકવેરા વિભાગને જાણ કરી
પોલીસના કડક ચેકિંગને કારણે દિવાળીના તહેવાર અગાઉ ગેરકાયદેસર હવાલા અને બિનહિસાબી નાણાંની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ હવાલા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.