અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના મામલામાં રામોલ પોલીસે આખરે કડક કાનૂની પગલાં લીધા છે. નિર્દોષ લોકોના જીવ લેનારી આ બેદરકારી બદલ પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે. 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ' નામથી ચાલતા આ મોતના કારખાનાના જવાબદારો હવે કાયદાના સકંજામાં આવી ગયા છે.

મેહુલ ડોડીયા, રમીલાબેન અને સાદીક સૈયદ બન્યા આરોપી

પોલીસે દાખલ કરેલી એફઆઈઆર મુજબ, મુખ્ય આરોપી તરીકે કારખાનાના સંચાલક મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા તેમજ ફેક્ટરીના ભાગીદાર સાદીક સૈયદના નામો નોંધવામાં આવ્યા છે. આ આરોપીઓએ વસ્ત્રાલના સર્વે નંબર 629/1/2/3 વાળી જગ્યા ભાડે રાખીને આ આખો કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ સાથે જ પોલીસ તપાસમાં જે પણ અન્ય લોકોની સંડોવણી સામે આવશે, તે તમામને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

કોઈ પણ પાસ-પરમિટ વગર ચાલતું હતું કારખાનું

એફઆઈઆરમાં કરવામાં આવેલા ખુલાસા મુજબ, આરોપીઓ પાસે ફટાકડા બનાવવાની કોઈ પણ પ્રકારની કાયદેસરની પાસ કે પરમિટ ન હતી. માત્ર આર્થિક લાભ ખાટવા માટે આરોપીઓએ ભેગા મળીને એક ગુનાહિત કાવતરું રચ્યું હતું અને જરાય સુરક્ષા રાખ્યા વગર અત્યંત બેદરકારીપૂર્વક આ જોખમી કારખાનું ચલાવતા હતા. આ ગંભીર બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે અને 6 લોકો હજુ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું સત્તાવાર રીતે ફરિયાદમાં જણાવાયું છે.

BNS અને વિસ્ફોટક એક્ટની ગંભીર કલમો લાગુ

આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કરવા માટે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કડક કલમો લગાવાઈ છે. હાલમાં રામોલ પોલીસ ઘટનાસ્થળેથી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને બ્લાસ્ટ માટે જવાબદાર તમામ કડીઓ જોડીને કાયદેસરના પગલાં ભરી રહી છે.


આ પણ વાંચો - Video: Ahmedabadના ગત્રાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 9 લોકોના મોત