અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં 14 વર્ષીય સગીરને પાડોશમાં રહેતી મહિલાએ પૈસા આપવાની લાલચ આપી તેના ઘરમાંથી ટુકડે ટુકડે 1.98 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરાવી હતી.સગીરના પિતાને પૈસાની જરૂર પડતાં તેમણે લોકર ખોલ્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.જેમાં સગીરે તમામ હકીકત તેના માતાપિતાને જણાવી હતી.ફરિયાદીએ મહિલા પાસે દાગીના પરત માગતા તે પૈસા આપી દેવાનું કહીને ફરાર થઈ ગઈ હતી.જેના અનુસંધાને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
તમામ ચોરેલા દાગીના સોનીને વેચી દીધા હતા
ઓઢવ વિસ્તારમાં રહેતા સગીરના ઘર સામે અંજના પંડ્યા નામની મહિલા રહેતી હતી.આ મહિલાએ 14 વર્ષીય કિશોરને મોબાઈલ સરખો કરવા પોતાના ઘરે બોલાવ્યો હતો.મહિલાએ સગીરને વિશ્વાસમાં લઈ ઘરમાં રાખેલા દાગીના ચોરી લાવવા જણાવ્યું હતું. ચોરી કરવા બદલ મહિલાએ સગીરને રૂ.500 રોકડા આપ્યા હતા.વધુ ચોરી કરવા માટે બીજા રૂપિયા આપવાની લાલચ આપી હતી. સગીરે લોકરમાંથી રૂ.1.98 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા.તેણે ટુકડે ટુકડે તમામ દાગીના મહિલાને સોંપી દીધા હતા.મહિલાએ આ તમામ ચોરેલા દાગીના સોનીને વેચી દીધા હતા.
