અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો વધુ પ્રમાણમાં પ્રકાશમા આવી રહ્યાં છે. પરંતુ પોશ વિસ્તારોની પ્રખ્યાત કેફે અને રેસ્ટોરાં પણ હવે સુરક્ષિત રહી નથી. શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્ટારબક્સ કોફી શોપની અંદર બેઠેલા એક યુવકનું પર્સ અજાણી યુવતી દ્વારા ચોરી કરી લેવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશ આવી છે. એટલું જ નહીં પરંતુ પર્સમાં રહેલા ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને હજારો રૂપિયાની ઓનલાઈન ખરીદી કરી લેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

યુવતીએ ટેબલ પર પડેલું પર્સ ચાલાકીપૂર્વક ચોરી લીધું

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી યુવક નવરંગપુરા ખાતે આવેલી પ્રખ્યાત સ્ટારબક્સ કોફી શોપમાં બેઠો હતો. તે દરમિયાન તેને કોઈનો ફોન આવતા તે કોફી શોપની અંદર પોતાની બેઠક પર જ પર્સ મૂકીને ફોન પર વાત કરવા માટે થોડે દૂર બહાર ગયો હતો. યુવક ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો તે જ ટૂંકા સમયગાળા દરમિયાન ત્યાં તકસાધુ અજાણી યુવતી આવી પહોંચી હતી. તેણે યુવકની ગેરહાજરીનો પૂરેપૂરો લાભ ઉઠાવીને ટેબલ પર પડેલું પર્સ ચાલાકીપૂર્વક ચોરી લીધું હતું અને ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ હતી. યુવક જ્યારે ફોન પર વાત કરીને પરત પોતાની બેઠક પર આવ્યો ત્યારે ટેબલ પરથી પર્સ ગાયબ જોઈને તેના હોશ ગયા હતા. યુવકે આજુબાજુમાં ઘણી શોધખોળ કરી હતી પરંતુ પર્સ કે તે અજાણી યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. 

ક્રેડિટ કાર્ડથી 27 હજાર રૂપિયાની ચોરી કરી

ચોરાયેલા આ પર્સની અંદર રોકડ રકમની સાથેસાથે મહત્વના દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડ પણ સામેલ હતા. પર્સ ચોર્યાની થોડીવારમાં જ તેના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને અજાણી યુવતીએ 27 હજાર રૂપિયાની રકમની ઓનલાઈન શોપિંગ કરી નાખી હતી. ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા જ યુવક ચોંકી ઉઠ્યો હતો અને પોતાના સાથે ઠગાઈ થયાનું ધ્યાને આવ્યું હતું.આ સમગ્ર બનાવ અંગે પીડિત યુવક દ્વારા ત્વરિત નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને અજાણી યુવતી વિરુદ્ધ પર્સ ચોરી તથા કાર્ડના દુરુપયોગ અંગેનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નવરંગપુરા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે કોફી શોપની અંદર અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તેની ઊંડાણપૂર્વક ચકાસણી શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ Rajkot News : PGVCLમાં 4.32 લાખ ગ્રાહકો ડિફોલ્ટર, મંગળવારે ધડાધડ કપાશે વીજ કનેક્શન