અમદાવાદ શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી’ અભિયાન હેઠળ ઝોન-7 પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન કામગીરી દરમિયાન એક જ રાતમાં સેટેલાઇટ અને વાસણા વિસ્તારમાં ગાંજાની હેરાફેરીના કુલ 3 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. LCB ઝોન-7, M ડિવિઝન, N ડિવિઝન અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ આ કાર્યવાહી કરીને 2 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.

રામદેવનગર, જોધપુર ગામ અને વાસણામાંથી મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહીમાં રામદેવનગર વિસ્તારમાંથી 69 ગ્રામ ગાંજો અને વજન કાંટો મળી કુલ રૂ.3,950નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોધપુર ગામ વિસ્તારમાંથી 45 ગ્રામ ગાંજો, મોબાઈલ, એક્ટિવા અને રોકડ સહિત રૂ.32,450નો મુદ્દામાલ કબજે લેવાયો હતો, જ્યારે વાસણા વિસ્તારમાંથી 31.280 ગ્રામ ગાંજો અને રોકડ સહિત કુલ રૂ.4,124નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ત્રણ આરોપીઓ સામે NDPS હેઠળ ગુનો, વધુ તપાસ શરૂ

આ મામલે પોલીસે રતન ઉર્ફે રતિલાલ વાલજીભાઈ મકવાણા, ભાવિન શૈલેષભાઈ વાઘેલા અને દોલીબેન હરેશભાઈ પરમારની ધરપકડ કરી છે. તમામ ત્રણેય કેસમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ફરાર સહઆરોપીઓની શોધખોળ તથા નશીલા પદાર્થના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો