અમરેલી જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે નવા વર્ષના પર્વ પર વડિયાના કુંકાવાવ ખાતે પૈસાની લેતીદેતીના મામલે એક ઉગ્ર ઝઘડો ફાટી નીકળ્યો હતો. મામલો એટલો વણસી ગયો કે કેટલાક શખ્સોએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચીને પ્રથમ એક કાર પર આડેધડ હુમલો કરી દીધો હતો. નવા વર્ષના પવિત્ર દિવસે બનેલી આ હિંસક ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
લોખંડ અને પ્લાસ્ટિકના પાઇપ તથા પથ્થરોથી તોડફોડ
આ હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ લોખંડના પાઇપ, પ્લાસ્ટિકના પાઇપ અને પથ્થરો વડે કાર તથા બાઈકના કાચ ફોડી નાખીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઝઘડા અને મારામારીની ધમાલમાં એક મહિલાને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમણે તાત્કાલિક સારવાર અર્થે કુંકાવાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઈ જતી વેળાએ પણ રસ્તામાં કે હોસ્પિટલ બહાર ફરીથી ફરિયાદી પર હુમલો કરીને તેમને ઢીકાપાટુ માર મારવામાં આવ્યો હતો.
