આણંદ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ, એક યુવકને અચાનક જ એક બુરખાધારી યુવતી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી, જેનો મામલો એટલો વધી ગયો કે ત્યાં બે અજાણ્યા યુવકો ધસી આવ્યા હતા. આ યુવકોએ કોઈ પણ જાતની સ્પષ્ટતા સાંભળ્યા વિના યુવક પર હુમલો કરી દીધો હતો અને તેને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું.
જીવ બચાવવા યુવક દોડીને ભાગી છૂટ્યો
આ બોલાચાલી બાદ આવેશમાં આવેલા બે યુવકોએ યુવકને મુક્કા અને લાતો વડે બેફામ માર માર્યો હતો. જાહેરમાં રોડ પર ચાલી રહેલી આ હિંસા અને મારામારીના કારણે આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની જાનનું જોખમ જોઈને પેલા યુવકે ત્યાંથી જીવ બચાવવા માટે દોડીને ભાગી જવું પડ્યું હતું. દિનદહાડે અને જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી તથા ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
