ગુજરાતમાં નકલી અધિકારીઓ અને ચીજ વસ્તુઓની બોલબાલા નવી નથી રહી. રોજબરોજ નકલીનો ખેલ સામે આવતો જ હોય છે. ત્યારે આણંદ શહેરમાં ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં એક શખ્સે ખુદને ડેપ્યુટી કલેકટર અને આઈએએસ અધિકારી તરીકે ઓળખાવીને એક બેરોજગાર યુવાન સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે.સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયા ખંખેરવાના આ કાવતરામાં આણંદ ટાઉન પોલીસે નકલી અધિકારીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

કુલ 7.70 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા

પ્રાપ્ત વિગતો અનુસાર,આરોપી રોનક ક્રિશ્ચિયને આણંદ પંથકમાં એક સામાન્ય નાગરિકને પોતાની ઓળખ IAS અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે અસલી જેવું જ લાગતું બનાવટી આઈકાર્ડ પણ બનાવ્યું હતું.આ નકલી આઈકાર્ડ બતાવીને આરોપીએ ફરિયાદીને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર જેવી સરકારી નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી.સરકારી નોકરી મેળવવાની લાલચમાં આવી ગયેલા ભોળા ફરિયાદી પાસેથી આરોપીએ વિવિધ બહાના હેઠળ કુલ 7.70 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.

આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો

લાંબા સમય સુધી નોકરી ન મળતા આ મામલે ભોગ બનનાર દ્વારા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદના આધારે હરકતમાં આવેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી અને નકલી ડેપ્યુટી કલેકટર બનીને ઠગાઈ આચરનાર રોનક ક્રિશ્ચિયનને ઝડપી પાડ્યો હતો.ધરપકડ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.જ્યાંથી તપાસ વધુ તેજ કરવા અને અન્ય સાગરીતો અથવા ભોગ બનનારાઓ વિશે માહિતી મેળવવા માટે કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પોલીસ દ્વારા આરોપી પાસેથી બનાવટી આઈકાર્ડ, ખોટા દસ્તાવેજો તથા ઠગાઈમાં વપરાયેલ સાહિત્ય કબ્જે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ