આણંદ રૂરલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાલેજ-આણંદ રોડ પર આવેલા બ્રિજ નજીક સઘન દરોડો પાડ્યો હતો. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે SMC દ્વારા હાથ ધરાયેલી આ સરપ્રાઈઝ રેડને કારણે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રૂ.19.63 લાખનો દારૂ અને કુલ રૂ.34.69 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની આશરે 150 જેટલી પેટીઓ કબ્જે કરી હતી. તપાસ દરમિયાન આ પેટીઓમાંથી કુલ 7,187 નંગ દારૂ-બીયરની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ.19.63 લાખ આંકવામાં આવી છે. દારૂના આ જથ્થા ઉપરાંત હેરાફેરી માટે વપરાયેલો ટ્રક સહિત પોલીસે કુલ રૂ.34.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
