ગુજરાતમાં લાંચિયા બાબુઓને પકડવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. રોજ બરોજ લાંચ લેતા કર્મચારીઓના કેસ સામે આવતા હોય છે. ત્યારે આણંદમાં લાંચ લેવાના બનાવમાં બે મહિલા પોલીસ કર્મીઓને પકડી પાડવામાં આવી છે. અહીં ગઈ કાલે જ એક ફિલ્ડ એન્જિનિયર પણ લાંચ લેતા પકડાયો છે. ત્યારે આજે બે મહિલા પોલીસ કર્મીઓ પકડાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
ASI ગીતાબેન દોઠા અને પુષ્પાબેન લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીના પુત્રવધુએ તેમના પરિવાર સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના નિકાલ માટે ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવા અને પરિવારને હેરાન નહીં કરવાના બદલામાં આણંદ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગીતાબેન દોઠા અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેને 2.50 લાખની લાંચ માંગી હતી. આ મહિલા પોલીસ કર્મીઓએ અગાઉ એક સફાઈ કામદારના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી એટલે કે ગૂગલ પે દ્વારા પાંચ હજાર રૂપિયાની લાંચ એડવાન્સ પેટે સ્વીકારી હતી. ત્યાર બાદ બાકીના પૈસા માટે દબાણ કરાતુ હતું.













