ગુજરાતમાં ભુવા અને તાંત્રિક વિધિના અનેક બનાવો સામે આવે છે. બિમાર બાળકો પર ભૂવા દ્વારા ડામ દેવાના બનાવો પણ સતત સામે આવે છે. ત્યારે ખેડાના આંકલાવમાં એક યુવકે બાળકીનું અપહરણ કરી તેની પર તાંત્રિક વિધિ કરીને તેને નદીમાં ફેંકી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે યુવકની અટકાયત કરી ફાયરની મદદ લઈ બાળકીની શોધખોળ હાથ ધરી છે.
યુવકે બાળકીનું અપહરણ કરી તેના પર તાંત્રિક વિધિ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના આંકલાવમાં એક યુવકે 6 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. આ યુવકે નવાખલ ગામની બાળકી પર તાંત્રિક વિધિ કરીને તેને સિંધરોટ પાસે મીની નદીમાં ફેંકી દીધી હતી. આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને યુવકની અટકાયત કરી લીધી હતી. પોલીસે નદીમાં ફાયરની મદદથી બાળકીની શોધખોળ આદરી હતી.
તાંત્રિક વિધિ બાદ યુવકે બાળકીને મીની નદીમાં ફેંકી
પોલીસે બાળકીને શોધવા તાંત્રિક યુવકને પણ સાથે રાખ્યો હતો. આ સમગ્ર બનાવથી ચકચાર મચી જવા પામી છે. એક બાળકીનું અપહરણ કરીને તેની પર તાંત્રિક વિધિ થઈ હોવાનું જણાતા લોકોમાં ભય ફેલાયો છે. પોલીસે આરોપી યુવકને પકડીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નદીમાં બાળકીને શોધવા પણ પોલીસે વધુ પ્રયાસો હાથ ધર્યા છે.