ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં એક ઠગ દંપતીએ લોભામણી લાલચ આપીને આશરે 40 જેટલા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, જુલાઈ 2024 થી અત્યાર સુધીમાં આ દંપતીએ અનેક લોકોને વિવિધ યોજનાઓની લાલચ આપીને તેમના નામે બેંકોમાંથી લોન કઢાવી લીધી હતી. આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે લોનના હપ્તા ભરપાઈ થવાનું બંધ થયું અને લોન લેનારા નિર્દોષ લોકોના નામે બેંકોની નોટિસ આવવાની શરૂ થઈ.
અંકલેશ્વરમાં 40 લોકો સાથે ઠગાઇ
આ મામલે પોલીસ ફરિયાદ થતાં, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઠગ દંપતી પૈકી પતિ ભરત પટેલની ધરપકડ કરી છે. પત્નીને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દંપતીએ અત્યાર સુધીમાં આશરે ₹ 17 લાખની છેતરપિંડી આચરી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લોનના આ પૈસાનો ઉપયોગ આ દંપતી વૈભવી લાઈફ સ્ટાઇલ જીવવા માટે કરતું હોવાનો ખુલાસો થયો છે.










