બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. ડીસાના ગીચ વિસ્તાર ગણાતા લાઠીબજારમાં આવેલા એક રહેણાંક મકાનમાં શંકાસ્પદ ઘીનું મોટું ગોડાઉન/પેકિંગ એકમ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી મસમોટો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
ગૌરસ અને સંયમ બ્રાન્ડનું 1,278 લીટર ઘી સીઝ કરાયું
ડીસા પંથકમાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ ઘી અંગેનો આ સતત બીજો મોટો દરોડો છે. તપાસ દરમિયાન સ્થળ પરથી 'ગૌરસ' અને 'સંયમ' બ્રાન્ડના નામે પેકિંગ કરી બજારમાં વેચવા માટે રાખવામાં આવેલો કુલ 1,278 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ ઓફિસરોએ સ્થળ પર જ તમામ 1,278 લીટર જથ્થો સીઝ કરીને અંદાજે રૂ. 7.92 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
