બનાસકાંઠા જિલ્લાના ડીસા રેલવે સ્ટેશન ખાતેથી એક સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાવાની ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી જવા માટે તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા ગયેલા એક જાગૃત નાગરિક પાસે ટિકિટ કન્ફર્મ કરી આપવાના બદલામાં રૂ. 500 ની લાંચની માગણી કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદીએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી ACB નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીએ 1064 નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી
ટિકિટ બુકિંગ કરાવવા ગયેલા નાગરિકે લાંચ આપવાના બદલે ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને સમગ્ર વિગત જણાવી હતી. ફરિયાદના આધારે બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન, પાલનપુરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આયોજનબદ્ધ રીતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં સફળ ટ્રેપ
આયોજન મુજબ, પાલનપુર ACB ની ટીમે ડીસા રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસ ખાતે સફળ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી પાસેથી રૂ. 500 ની લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACB ની ટીમે દરોડો પાડીને રેલવે કર્મચારીને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યો હતો. ACB એ લાંચની સ્વીકારેલી રૂ.500 ની પૂરેપૂરી રકમ પણ સ્થળ પરથી રિકવર કરી લીધી છે.
ચીફ બુકિંગ ક્લાર્ક સામે કાયદેસરની કાર્યવાહી
લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીની ઓળખ સુરેશકુમાર રામુજી સોલંકી તરીકે થઈ છે, જેઓ ડીસા રેલવે સ્ટેશન પર ચીફ બુકિંગ ક્લાર્ક, વર્ગ-3 તરીકે પશ્ચિમ ઝોન અમદાવાદ હેઠળ ફરજ બજાવતા હતા. ACB એ આરોપી કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha News : ડીસામાં ગાયત્રી મંદિર પાસે લોહીલુહાણ હાલતમાં યુવક મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી...