બારડોલી નજીક ઉવા ગામની નહેરમાં એક જ પરિવારના સભ્યોને ફેંકી દેવાની ચકચારી ઘટનામાં પોલીસે એક આરોપી ખાંડિયો ઉર્ફે દયારામને મહારાષ્ટ્રના જલગાંવ નજીકથી ઝડપી પાડ્યો છે. મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આરોપીને બારડોલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે અલગ-અલગ મુદ્દાઓના આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે 3 ડિસેમ્બર સુધી રહેશે. ચર્ચાતી માહિતી મુજબ મૃતક અને તેની પત્નિ બોગસ વીમા કૌંભાડનો ભોગ બન્યા હતા અને તેઓ આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવાના હતા અને તેની ગંધ આરોપીઓને આવી ગઇ હોવાથી સમગ્ર ખૂની ખેલ રચાયો હોવાની આશંકા છે
14 દિવસના રિમાન્ડની માંગ, 8 દિવસ મંજૂર
આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ બારડોલી ગ્રામ્ય પોલીસે વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હવે પોલીસ આરોપીની પૂછપરછ હાથ ધરશે. આ કેસમાં હજુ 3થી વધુ આરોપીઓ પકડવાના બાકી હોવાનું જણાવાયું છે.
પરિવારને નહેરમાં ફેંકી દેવાની ખૌફનાક ઘટના
મળતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના જલગાંવનો એક પરિવાર મજૂરી કામ માટે આવી રહ્યો હતો. દરમિયાન ઉવા ગામ નજીક તેમની કારને 4 શખ્સોએ આંતરી હતી. પરિવારના સભ્યોને અલગ-અલગ કારમાં રાખ્યા બાદ ઇકો કારને નહેર પાસે ઊભી રાખી માતા-પિતા અને બાળકોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
13 વર્ષના કિશોરનો બચાવ, પોલીસને મહત્વપૂર્ણ કડી મળી
આ ઘટનામાં 13 વર્ષનો કિશોર જીવિત બચી ગયો હતો. તેણે પોલીસને નિવેદન આપ્યું હતું અને આરોપીઓમાંથી એકની ઓળખ પણ કરી હતી. પોલીસ તપાસમાં આ કિશોર મહત્વપૂર્ણ કડી અને પુરાવો સાબિત થયો છે.
3 મૃતદેહ મળ્યા, 2 બાળકોની શોધખોળ ચાલુ
ઘટનામાં માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે હજુ 2 બાળકો લાપતા છે. તેમની શોધખોળ માટે પોલીસની સાથે સિંચાઈ વિભાગને પણ કામે લગાડવામાં આવ્યો છે. તમામ પોલીસ મથકોને પણ જાણ કરવામાં આવી છે.
8 ટીમો તપાસમાં જોડાઈ
સુરત ગ્રામ્ય પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની 8 ટીમો આરોપીઓને શોધવા માટે તપાસ કરી રહી છે. પોલીસ માનવ બાતમી, ટેકનિકલ તપાસ સહિતની અલગ-અલગ પદ્ધતિઓથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્ર પોલીસને પણ તપાસમાં જોડવામાં આવી છે અને પરિવારના સંબંધીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
અન્ય આરોપીઓની શોધખોળ
હાલ એક આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ ઝડપાયા બાદ જ પરિવારની હત્યા પાછળનું કારણ બહાર આવી શકશે.
આ પણ વાંચો : 26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ