બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક એક જ પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાના સામૂહિક હત્યાકાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કવિતા પાટીલ પોતે જ વીમા કૌભાંડની આરોપી હોવાની માહિતી મળી છે. કવિતાના પ્રથમ પતિના મૃત્યુ બાદ 50 લાખ રૂપિયાનો વીમો મેળવવા માટે બનાવટી અકસ્માતનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ વીમા ક્લેમ હેઠળ 10 લાખ રૂપિયા તેના બેંક ખાતામાં જમા થયા હોવાની વિગતો પણ સામે આવી છે.
50 લાખના વીમા માટે બનાવટી અકસ્માતનું ષડયંત્ર
પ્રાથમિક માહિતી મુજબ, કવિતા પાટીલના પ્રથમ પતિ સંજય કાશીનાથ પાટીલના મૃત્યુ બાદ વીમાની રકમ મેળવવા માટે કવિતાએ અન્ય સહઆરોપીઓ નિતેશ પાટીલ, આકાશ પાટીલ, પ્રેમચંદ પાટીલ અને તપાસ અધિકારી સાથે મળીને કથિત ષડયંત્ર રચ્યું હતું.
50 લાખ રૂપિયાના વળતરનો દાવો
સ્વિફ્ટ ડિઝાયર કાર દ્વારા બનાવટી અકસ્માત સર્જાયો હોવાનું દર્શાવી કવિતાએ ધુળે કોર્ટમાં વીમા કંપની પાસેથી 50 લાખ રૂપિયાના વળતરનો દાવો દાખલ કર્યો હોવાની પ્રાથમિક વિગતો છે.
19 નવેમ્બરે ફરિયાદ, બે દિવસ બાદ પરિવારની હત્યા
જલગાંવમાં 19 નવેમ્બરે વીમા કંપનીએ કવિતા સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના બે દિવસ બાદ એટલે કે 21 નવેમ્બરે બારડોલીના ઉવા ગામ નજીક પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દેવાની ઘટના બની હતી.
પુરાવા અને કડીઓ ભૂંસવા માટે સામૂહિક હત્યાકાંડ
વીમા કૌભાંડનો ભાંડો ફૂટતાં તેમાં સામેલ અન્ય સૂત્રધારોએ પુરાવા અને કડીઓ ભૂંસવા માટે સામૂહિક હત્યાકાંડને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આશંકાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
10 લાખ રૂપિયા ખાતામાં જમા થયાનો દાવો
આ અગાઉ કવિતાએ તેના પ્રથમ પતિના યસ બેંક ડેબિટ કાર્ડ સાથે જોડાયેલી વીમા પોલિસી હેઠળ ક્લેમ કર્યો હતો. 24 સપ્ટેમ્બર, 2025ના રોજ તેના એચડીએફસી બેંક ખાતામાં 10 લાખ રૂપિયા જમા થયા હોવાની વિગતો સામે આવી છે. આ રીતે વીમા કંપની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
પોલીસના સત્તાવાર નિવેદનની રાહ
આ સમગ્ર મામલે વીમા કૌભાંડ અને સામૂહિક હત્યાકાંડ વચ્ચેની કડી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જોકે, પોલીસે હજુ સુધી આ વિગતો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કેસના તમામ આરોપીઓ ઝડપાયા બાદ જ સમગ્ર ષડયંત્ર અને હત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો : 26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ