ભરૂચ જિલ્લાની આમોદ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગેન્દ્રસિંહ રાજ સામે આજુબાજુના વિસ્તારના અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ફ્રોડ કરવા અંગેના ગંભીર આક્ષેપો થયેલા હતા.

ખોટું સરનામું આપી થયો હતો ફરાર

યોગેન્દ્રસિંહ રાજ સામે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની વિવિધ અદાલતોમાં છેતરપિંડીના કેસો ચાલી રહ્યા હતા. જેમાંથી કુલ 4 જેટલા કેસોમાં અદાલતે તેને દોષિત ઠેરવીને સજા પણ ફટકારી હતી. જોકે, કોર્ટે સજાની જાહેરાત કર્યા બાદ કાનૂની કાર્યવાહી અને જેલવાસથી બચવા માટે આરોપી પોતાનું ખોટું સરનામું આપીને છેલ્લા આશરે 4 વર્ષથી સતત સ્થળ બદલીને નાસતો-ફરતો હતો.

જેલમાં બંધ પિતાને મળવા સુરત આવ્યો અને પોલીસે ઝડપી લીધો

આરોપી સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન આમોદ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. યોગેન્દ્રસિંહ રાજના પિતા રણમલ સિંહ રાજ હાલ સુરત જેલમાં બંધ હોય, તેને મળવા અથવા તેની વિગતો મેળવવા માટે યોગેન્દ્રસિંહ સુરત ખાતે આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે આમોદ પંથકની પોલીસે તુરંત એક ટીમ સુરત રવાના કરી સર્ચ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી લીધો હતો.

આરોપીને ભરૂચ સબજેલ મોકલાયો

ચોક્કસ બાતમીના આધારે સુરતથી ઝડપી પાડ્યા બાદ આમોદ પોલીસની ટીમ આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ ખાતે લઈ આવી હતી. જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને તેને આમોદની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીની જેલ અપીલ અને સજાના હુકમ આધારે તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો છે.


આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા