ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેથી પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી એક અત્યંત શાતિર ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના કિટ્ટર ગામે આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ભાગી રહેલી આ ગેંગ ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. નેત્રંગ ખાતે પોલીસનું ચેકિંગ જોઈને આરોપીઓએ પોતાની કાર પુરપાટ ઝડપે ભગાડી હતી. જોકે, પોલીસે ત્વરિત એક્શનમાં આવી ફિલ્મી ઢબે કારનો પીછો કરી રસ્તો આંતરીને એક આરોપીને સ્થળ પર જ ઝડપી લીધો હતો, જ્યારે અન્ય ચાર આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

6 ગામોમાં ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન, વધુ બે આરોપીઓ ઝબ્બે

ઘટના બાદ ફરાર થયેલા ચોરોને પકડવા માટે પોલીસે આસપાસના 6 જેટલા ગામોમાં ડ્રોન કેમેરાની મદદથી ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડ્રોન તપાસ દરમિયાન નજીકના વિસ્તારમાંથી વધુ બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હાલ આ કેસમાં કૂલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય 2 આરોપીઓની શોધોખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રૂ.6.55 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓનો ગંભીર ગુનાહિત ઈતિહાસ

પોલીસે આરોપીઓ પાસેથી કર્ણાટકની જ્વેલરી શોપમાંથી ચોરી કરેલી સોના-ચાંદીના ભગવાનની મૂર્તિઓ, પૂજાના દિવા સહિત રૂ. 1.20 લાખનો માલસામાન તથા ગુનામાં વપરાયેલી કાર મળીને કુલ રૂ. 6.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ પેરોલ જમ્પ કરવા સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ (MP) માં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : Ambajiમાં દાંતા તાલુકા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત, રૂ.5 કરોડથી વધુના ખર્ચે બનશે અત્યાધુનિક કચેરી