ભરૂચ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે હાથ ધરેલી સફળ ટ્રેપમાં ડ્રગ્સ વિભાગના બે લાંચિયા અધિકારીઓ રંગેહાથે ઝડપાઈ જતાં વેપારીઓ અને ફાર્માસિસ્ટોમાં આનંદની લહેર ફરી વળી છે. આ સફળ કાર્યવાહી બાદ 'ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન' એ કચેરી પરિસરમાં ફટાકડા ફોડીને અને કેક કાપી એકબીજાને ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી. આ સાથે લાંચિયા અધિકારી ઝડપાવાના કારણે પારદર્શિતા વધવાની આશા વ્યક્ત કરી છે.
મેડિકલ સ્ટોરના નવા પરવાના માટે માંગી 40 હજારની લાંચ
સમગ્ર બનાવની વિગત અનુસાર, મેડિકલ સ્ટોર અને દવાની નવી પેઢી શરૂ કરવા માટેના પરવાના એટલે કે લાયસન્સને મંજૂરી આપવાના બદલામાં અરજદાર પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને ડ્રગ ઈન્સ્પેક્ટરે આ કામગીરી પૂર્ણ કરવા માટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જેનાથી કંટાળીને અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો.


