વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાગરાના રહાડ ગામથી વછનાદ તરફ જતા નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આ નિર્મમ હત્યાને પગલે પંથકમાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે.
સુનિયોજિત અને ક્રૂર હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની હાલત જોતા આ એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હત્યારાઓએ અત્યંત નિર્દયતા દાખવી યુવકના હાથ-પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળે ટૂંપો દઈ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અથવા લાશને અવાવરું જગ્યાએ ફેંકી દેવાના ઈરાદે હત્યારાઓએ આ માર્ગ પસંદ કર્યો હોવાની શક્યતા છે.












